Saturday, September 20, 2008

શ્રીગિરિરાજજીનું માહાત્મ્ય.

મોહનદાસ નામના શ્રીગુસાંઇજીના સેવક ગોપાલપુરામા રહેતા. ગોપાલપુરથી શ્રીગિરીરાજ ચડીને ગોવિંદકુડમાં નિત્ય ન્હાવા જતા. એક દિવસ ઉતરવાના રસ્તા ઉપર ગોબર પડ્યું હતું, તેથી તે વૈષ્ણવ બીજી બાજુ ઊતર્યા, તે શ્રીગુસાંઈજીએ જોયું અને માથું હલાવ્યું. પછી મોહનદાસે શ્રીગુસાંઇજીને દંડવત કરીને માથું હલાવવાનું કારણ પુછ્યું. શ્રી ગુસાંઇજીએ કહ્યું " તમે શ્રીગિરિરાજ ઉપર કારણ વિના ચાલો છો અને પગથી ખુંદો છો, તેથી તમે શ્રીગિરિરાજજીનું માહાત્મ્ય કંઇ જાણતા નથી." આથી આ સાંભળીને વૈષ્ણવોએ શ્રીગુસાંઇજીને શ્રીગિરિરાજજીનું માહાત્મ્ય બતાવવાની વિનંતી કરી....
શ્રી ગુસાંઇજીએ પહ્નપુરાણની કથા કહી...એક દિવસ શ્રીઠાકોરજી તથા નારદજી વનમાં ઊભા હતા. શ્રીઠાકોરજીએ નારદજીને જળ લઈ આવવાનું કહેતાં નારદજી જળ લેવા ગયા. ત્યાં સરોવર ઉપર બે ઋષિઓ તપસ્યા કરતા હતા અને સરોવર પાસે મનુષ્યનાં હાડકાનો પવૅત પડેલો હતો. તે પવૅત જોઈને નારદજી વિસ્મય પામ્યા અને જળ લીધા વિના પાછા આવી, શ્રીઠાકોરજીને આનું કારણ પૂછ્યું.
શ્રીઠાકોરજીએ કહ્યું - "એ બંને ઋષિઓ ગોવધૅન પવૅતનાં દશૅન કરવા માટે તપસ્યા કરે છે. તપ કરતાં કરતાં દેહ છોડે છે. વળી પાછા જન્મીને તપ કરે છે. આમ, કરતાં કરતાં દેહ છોડે છે ને ફરી જન્મે છે. તેમનાં શરીર છૂટવાથી હાડકાંનો પવૅત થઈ ગયો છે, તો પણ તેમને ગોવધૅન પવૅતનાં દશૅન થયાં નથી."
આ સાંભળી નારદજી વિસ્મય પામ્યા. શ્રીગુસાંઇજીએ આજ્ઞા કરી "આપણને શ્રીમહાપ્રભુજીની કાનિથી શ્રીગોવધૅન પવૅત દશૅન દે છે, આપણી ઉપર તેમની ક્રુપા વરસાવે છે. શ્રીગોવધૅન પવૅત સાક્ષાત લીલામધ્યપાતી છે. તેમની ઉપર પગ કેમ કરીને મૂકી શકાય? તેથી ભગવત્સેવાનું કાયૅ હોય તોજ ઉપર ચડવું, નહીંતર સવૅથા પગ પણ મૂકવો નહી. આ સાંભળીને મોહનદાસે પશ્ર્ચાત્તાપ કરી શ્રીગુસાંઇજી પાસે પોતાનો અપરાધ ક્ષમા કરાવ્યો અને કોઇ દિવસ શ્રીશ્રી ગોવધૅન ઉપર પગ નહી મુકવાની પ્રતિજ્ઞા લીધી. આવો આપણે પણ શ્રીગોવધૅનના મહાત્મય જાણી આવા અપરાધો નહિ કરવાની પ્રતિજ્ઞા લઈએ....જય જય શ્રી ગોવધૅનનાથજી....

શ્રીગિરીરાજજીના શ્રીઅંગમાં બિરાજતા તીથૅ

શ્રીગિરીરાજજીના શ્રીઅંગમાં જે જે તીથૅ બિરાજે છે તેનું વણૅન ગગૅસંહિતામાં નીચે પ્રમાણે કરવામાં આવ્યું છે.
તીથૅ શ્રીઅંગ
૧. માનસીગંગા નેત્રરુપ છે.
૨. ચંદ્ર સરોવર નાસિકારુપ છે.
૩. ક્રુષ્ણ કુંડ દાઢીરુપ છે.
૪. ગોવિંદ કુંડ અધરરુપ છે.
૫. રાધા કુંડ જિહ્વારુપ છે.
૬. લલિતા કુંડ કપોલ રુપ છે.
૭. કુસુમ સરોવર કણૅપ્રદેશ - કાન પાસેનો ભાગ છે.
૮. ગોપ કુંડ કણૅરુપ છે.
૯. મુકુટનું ચિન્હ શ્રીગિરીરાજજીનો મુકુટ છે.
૧૦ વાજની શિલા કેડરુપ છે.
૧૧ પૂજની શિલા મુખરુપ છે.
૧૨ ચિત્રની શિલા મસ્તકરુપ છે.
૧૩ કંદુકતીથૅ કુખરુપ છે.
૧૪ ચીરઘાટ કમરરુપ છે.
૧૫ દ્રોણતીથૅ પીઠરુપ છે.
૧૬ કોકિલાવન ઉદરરુપ છે.
૧૭ કદંબખંડી હ્ર્દયરુપ છે.
૧૮ ઐરાવત કુંડ મનરુપ છે.
૧૯ શુંગાર શિલા જીવાત્મારુપ છે.
૨૦ સુરભિ ગાયનાંચરણ બે પક્ષરુપ છે.
૨૧ ઐરાવત્તનાં ચરણ ચરણરુપ છે.
૨૨ પૂંછરી ગામ પુચ્છરુપ છે.